રાજયમાં યુરિયા ખાતરની અછતને લઈને સરકારનો મોટો ખુલાસો, રાજ્યના ખેડૂતો ખાસ વાંચે આ અહેવાલ

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં હાલ ખાતરને લઈને રાજનીતિ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ઉત્તર ગુજરાતમાં યુરિયા ખાતર ખેડૂતોને મળતું ના હોવાના મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને રજુઆત કરી હતી. જેને લઇને રાજય સરકારને ગુજરાતમાં યુરિયા ખાતરની અછત ન હોવા બાબતે ખુલાસો કરવાની ફરજ પડી હતી.
 
રાજ્યમાં રાસાયણિક ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાની વાત કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પૂનમચંદ પરમારે કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં હજુ પણ જરૂપિયાત જણાશે તો વધુ યુરિયા ખાતરનો જથ્થો મેળવવામાં આવશે. બીજી બાજુ રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં યુરિયાની અછતને લઇને ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. પરંતુ આજે વહેલી સવારે ડીસા રેલવે સ્ટેશન પર ૪૨ હજાર જેટલી યુરિયાની બોરીનો જથ્થો ઉતરી જતા હવે યુરિયા ખાતરની તંગી દૂર થશે તેવી વાત હાલ સામે આવી રહી છે.
 
બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં યુરિયાની અછત હતી. ન માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ આસપાસના અનેક જિલ્લાઓમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો છે. યુરિયાની તંગી વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લામાં આજે ડીસા રેલવે સ્ટેશન પર ૪૨૦૦૦ યુરિયા ખાતરનો જથ્થો ઉતર્યો છે. કુલ ૧૯ હજાર મેટ્રિક ટન જેટલો યુરિયાનો જથ્થો બનાસકાંઠા જિલ્લામાં આવતા હવે યુરિયાની તંગી દૂર થશે.
 
આજે વહેલી સવારે રેલવે રેક પર યુરિયા જથ્થો ઉતરતા તાલુકા મથકે પહોંચે તે માટે લોડીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ૧૦ જેટલી ખેતીવાડી વિભાગની ટીમો સાથે મળી દરેક તાલુકા મથક સુધી યુરિયા ખાતર પહોંચે તે માટે કામગીરી કરી રહી છે. આટલા મોટા પ્રમાણમાં જ્યારે યુરિયા ખાતર બનાસકાંઠા જિલ્લા માટે આવ્યું છે ત્યારે જિલ્લામાં યુરિયા ખાતરની તંગી દૂર થશે.
 
કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પૂનમચંદ પરમારે જણાવ્યું છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે રવિ અને ઉનાળુ ઋતુ માટે ઓગષ્ટ માસમાં ભારત સરકાર પાસે ૧૧.૦૦ લાખ મેટ્રિક ટન યુરિયા, ૨.૫૦ લાખ મેટ્રિક ટન ડી.એ.પી., ૨.૩૬ લાખ મેટ્રિક ટન એન.પી.કે. અને ૬૦ હજાર મેટ્રિક ટન એમ.ઓ.પી ખાતરની જરૂરિયાતો મંજુર કરવામાં આવેલ છે. આ ઉપરાંત યુરીયા ખાતરનો ૫૦,૦૦૦ મે ટન વધારાનો જથ્થો બફર સ્ટોક તરીકે પણ ફાળવેલ છે.
 
શ્રી પુનમચંદ પરમારે ઉમેર્યુ કે, રાજ્યમાં ચાલુ રવિ ઋતુમાં ૩૫.૪૬ લાખ હેક્ટરમાં વાવેતર થયેલ છે. જે સરેરાશ વાવેતર વિસ્તાર કરતાં ૧૩% વધુ છે. જેમાં, ઘઉં પાકમાં સરેરાશ વાવેતર કરતાં ૨૯% વધુ વિસ્તારમાં વાવેતર થયેલ છે. રવિ ઋતુ ના પ્રથમ ત્રણ માસ ઓક્ટોબર-૧૯ થી ડિસેમ્બર-૧૯ માસ દરમિયાન રાજ્યને ૬.૦૨ લાખ મેટ્રિક ટન યુરિયા ઉપલબ્ધ થયેલ છે.
 
જાન્યુઆરી- ૨૦૨૦માં રાજ્યમાં ૨.૧૦ લાખ મેટ્રિક ટનની જરૂરિયાત સામે ભારત સરકારશ્રી દ્વારા ૨.૨૦ લાખ મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવવામાં આવેલ છે. જે પૈકી પ્રથમ ચાર દિવસમાં ૩૨ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પહોંચતો કરવામાં આવ્યો છે.
 
તેમણે કહ્યુ કે, હાલમાં, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ અને આણંદ જિલ્લાના કેટલાક ચોક્કસ સ્થળોએ યુરિયા ખાતર ઉપલબ્ધ ન હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયેલ છે. સદર જિલ્લાઓમાં યુરીયા ખાતરનો જથ્થો મહેસાણા, કાંકરીયા (અમદાવાદ), રણોલી (વડોદરા) અને આણંદ ખાતે રેલવે રેંક અને રોડ દ્વારા આગામી પાંચ દીવસમાં અંદાજીત ૧૦,૦૦૦ મેટ્રીક ટનનો જથ્થો પૂરો પાડવા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવેલી છે.
 
આમ, રાજ્યમાં પુરતાં પ્રમાણમાં તમામ જગ્યાએ રાસાયણિક ખાતર ઉપલબ્ધ કરવામાં આવનાર છે. ભારત સરકારશ્રી પાસે જરૂરીયાત જણાયે ૫૦,૦૦૦ મે ટનનાં બફર સ્ટોકમાંથી પણ વધુ યુરિયા ખાતરની ફાળવણી કરાવવામાં આવશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.