બનાસકાંઠાની આરટીઓ ચેકપોસ્ટ કચેરીઓ ગેરરીતિઓની ગંગોત્રી : તળિયાથી ટોચ સુધી કાણાં

 
વહીવટમાં પારદર્શકતા લાવવાના નામે ગુજરાત સરકાર છેલ્લા કેટલાક સમયથી આધુનિકતાના રવાડે ચડી છે પરંતુ ઈન્ટરનેટ આધારિત નવી વ્યવસ્થા ગેરરીતિઓની ગંગોત્રીને આભ પરથી જમીન પર ઉતારનાર ભાગીરથી પુરવાર થઈ રહી છે. આ નવી વ્યવસ્થામાં જવાબદારીનું નિર્વહન કરતા અમલદારોના બચાવ માટે ઇરાદાપૂર્વક ત્રુટીઓ રખાતી હોઈ અધિકારીઓ ભય વગર ભ્રષ્ટ્રાચાર આચરી ઉપરી અધિકારીઓ તેમજ પદાધિકારીઓને પણ મોકળા મને સાચવી લેતા હોઈ સૌ કોઈ એક સુરે ' સબ સલામત' ની આલબેલ પોકારી રહ્યા છે અને આ સહિયારો ગોરખધંધો રાજ કોષને વર્ષે દહાડે અબજો રૂપિયાનો ચુનો ચોપડી રહ્યો છે.
વાંચવામાં આ વાત કદાચ થોડી વિચિત્ર અથવા તો અવાસ્તવિક લાગે એવું બની શકે પરંતુ આ સ્કેન્ડલ પાછળની કડવી હકીકત વધુ વિચિત્ર અને અવાસ્તવિક છે. રાજ્ય સરકારે આધુનિકતાના નામે રાજ્યની આરટીઓ ચેકપોસ્ટ કચેરીઓ પર ગોઠવેલી નવી ઓનલાઇન વ્યવસ્થામાં હવે ખુદ સરકારના જ મલિન ઈરાદા છતાં થઈ રહ્યા છે.
માલ-સામાનની આંતર રાજ્ય હેરાફેરીમાં કરચોરીના દુષણને નાથવા અને ભ્રષ્ટ અધિકારીઓ પર અંકુશ મુકવાના ઇરાદે રાજ્ય સરકારે દોઢેક દાયકા પૂર્વે રાજ્યની આરટીઓ ચેકપોસ્ટ કચેરી ઓની તમામ કામગીરીનું કોમ્પ્યુટરાઈઝેશન કરી તમામ આરટીઓ કચેરીઓની કામગીરી પર બાજ નજર રાખવા પાટનગરમાં જ મધ્યસ્થ મોનીટરીંગ વ્યવસ્થા ગોઠવી હતી. શરૂઆતમાં આ નવી વ્યવસ્થા અને રાજ્ય સરકારની મજબૂત જણાતી ઇચ્છાશક્તિ ખૂબ વખણાઇ હતી.પરંતુ ટૂંકા ગાળામાં જ આ નવી વ્યવસ્થાનું ભોપાળું છતું થઈ જતા સરકારના ઈરાદા અને ઇચ્છાશક્તિ સામે અણિયાળા સવાલો ઉઠવા માંડ્‌યા છે. આ નવી વ્યવસ્થામાં ગેરરીતિઓને પોષવા માટે ઇરાદાપૂર્વક રખાતી ત્રુટીઓ  સામે ઉઠી રહેલા સવાલો સાવ વાહિયાત પણ નથી છતાં રાજ્ય સરકાર આવા સવાલો સામે આંખ મીંચામણા કરતી રહે છે.એ જ સરકારની ઢીલી નીતિની ગવાહી આપી જાય છે.
    બનાસકાંઠામાં કાર્યરત તમામ આરટીઓ ચેકપોસ્ટ કચેરીઓ પર હાલ ગેરરીતિઓને છુટ્ટો દૌર મળી રહ્યો હોવાની પ્રત્યક્ષ પ્રતીતિ થઈ રહી છે અને દરેક આરટીઓ કચેરીઓ પર ગોઠવાયેલી કહેવાતી આધુનીક વ્યવસ્થા તેમજ ફરજરત અમલદારોના ઇરાદાઓમાં પણ તળિયાથી ટોચ સુધી કાણાં જ દેખાઈ રહ્યા છે પરંતુ બેસુમાર ધનવર્ષાથી અંજાઈ ગયેલા અધિકારીઓ કે પદાધિકારીઓને આવી કોઈ ત્રુટીઓ નજરે પડતી નથી એ જ મોટી કમનસીબી છે. ધોળા દિવસે અજ્ઞાત કે અભણ વ્યક્તિ પણ જે ત્રુટીઓ પળવારમાં પકડી શકે એ જ ત્રુટીઓને યથાવત રાખવા પાછળ સરકાર કે અમલદારોના ઈરાદા શુ હોઈ એ સમજી શકાય તેવી વાત છે. જોકે આ મામલે ઠોસ વિગતો અમારા સુધી પહોંચ્યા બાદ જિલ્લાના એક જવાબદાર પ્રચાર માધ્યમ તરીકે આ ત્રુટીઓ સરકાર અને સંબંધિત સત્તાકેન્દ્રોના ધ્યાને મુકવાની આ અખબારની પવિત્ર ફરજ બનતી હોઈ અમે અમારો અખબારી ધર્મ નિભાવી આ મામલે પ્રકાશ પાડી રહ્યા છીએ ત્યારે હવે સરકાર કે અન્ય સત્તાકેન્દ્રો આ મામલાને કેટલી ગંભીરતાથી લે છે તે જોવું રહ્યું...!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.