બનાસકાંઠામાં અનેક ક્રેડિટ સોસાયટીઓ તેમજ કંપનીઓ ઉઠી ગઇ છે. જેમાં પીએસીએલ કંપનીમાં લોકોના લાખો રૂપિયા ફસાઈ ગયા છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં નાણાં પરત કરવામાં આવતા નથી. જેનો કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. ત્યારે લોકોના પૈસે વિદેશોમાં મિલ્કતો વસાવનારા કંપનીના સંચાલકો સામે પગલાં ભરવા માટેની માંગ સાથે સોમવારે મોટી સંખ્યામાં ગ્રાહકો પાલનપુર ખાતે એકત્રિત થયા હતા.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, ડીસા, ધાનેરા, થરાદ, વાવ, દિયોદર, કાંકરેજ, ભાભર, લાખણી, દાંતા, અમીરગઢ સહિતના તાલુકા મથકોએ લોકોનલોભામણી લાલચો આપી પર પ્રાંતીય ક્રેડિટ સોસાયટીઓના સંચાલકો દ્વારા એફ.ડી., રીકરીંગ સહિતના ખાતાઓ ખોલી લાખો રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. જોકે, પાકતી મુદ્દતે આ નાણાં ગ્રાહકોને ન આપી અર્બુદા ક્રેડિટ સોસાયટી, પલ્સ, પીએસીએલ સહિતની કંપનીઓએ ઉઠમણું કરી દીધું છે.જેમાં જિલ્લાભરમાં પીએસીએલ કંપનીએ તો એજન્ટોની માયા જાળ રચી કરોડો રૂપિયા જમા લીધા હતા. જે નાણાં ફસાઈ જતા ગ્રાહકોને આજે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં નાણાં પરત કરવામાં આવતા નથી. જેનો કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. ત્યારે લોકોના પૈસે વિદેશોમાં મિલ્કતો વસાવનારા કંપનીના સંચાલકો સામે પગલાં ભરવા માટેની માંગ સાથે સોમવારે મોટી સંખ્યામાં ગ્રાહકો પાલનપુર ખાતે એકત્રિત થયા હતા અને તંત્રને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં કંપનીના સઁચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમની મિલ્કતો ટાંચમાં લઈ નાણાં ચુકવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.