જલિયાવાલા બાગ જેવો જ હત્યાકાંડ સર્જાયેલો ગુજરાતના સાબરકાંઠામાં :૧૨૦૦ જેટલા આદિવાસીઓ થયા હતા શહીદ

 
૧૩ એપ્રિલ, ૧૯૧૯ એટલે બૈશાખીનો દિવસ. અમૃતસર ખાતે આવેલા જલિયાવાલા બાગમાં અંગ્રેજ સરકારે કરેલા અંધાધુંધ ગોળીબારમાં અનેક નિર્દોષોએ જીવ ગુમાવેલા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ ઘટનાનું ખુબ જ મહત્વ છે. આજે આ હત્યાકાંડને ૧૦૦ વર્ષ પુરા થયા છે. તો આઝાદીની ચળવળ અને નવા ક્રાંતિકારીઓ ઉભા કરવામાં પણ આ ઘટનાને મોટો ભાગ ભજવેલો છે. જો કે ઘણા ઓછા લોકોને ખબર છે કે જલિયાવાલા બાગ જેવો જ હત્યાકાંડ સર્જાયેલો ગુજરાતના સાબરકાંઠામાં હા સાબરકાંઠામાં સાબરકાંઠા જીલ્લાના વિજયનગરમાં સર્જાયેલા આ હત્યાકાંડમાં ૧૨૦૦ જેટલા આદિવાસીઓ શહીદ થયેલા. જો કે હજુ આ હત્યાકાંડ બાબતે લોકોને કૈજ ખબર નથી.
 
વિજયનગરનું પાલ ચિતરીયા ગામ 
 
સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિમતનગરથી ૮૫ કિલોમીટર દુર આવેલા વિજયનગરમાં કુદરતે છુટા હાથે સૌદર્ય વેર્યું છે. લોકો હાલમાં તો વિજયનગરને પોળોના મંદિરથી વિશેષ ઓળખે છે. પણ આ વિસ્તારની બીજી પણ એક વિશેષતા છે. અને તે વિશેષતા જોડાયેલી છે આઝાદીની ચળવળ સાથે. મૂળ આદિવાસી વિસ્તાર ધરાવતા વિજયનગર તાલુકામાં આવેલું છે પાલગામ. વિજયનગરથી ભિલોડા રોડ ઉપર આવેલા પાલ ગામે પણ અંગ્રેજોના દમનને સહ્યું છે. તેનો વિરોધ કર્યો છે અને આ વિરોધમાં શહાદતો પણ વહોરી છે. આ ગામના લોકોની વાતો સાંભળીયે તો અચૂક તમને જલિયાવાલા બાગનો હત્યાકાંડ યાદ નાં આવે તો જ નવાઈ.
 
લગાન અને અત્યાચાર સામે સભા 
 
૭મી માર્ચ ૧૯૨૨ નો દિવસ વિજયનગરના વનવાસીઓ માટે કાળો દિવસ સાબિત થયો. આ વિસ્તારના ગરીબ વનવાસીઓ ઉપર અંગ્રેજ સરકારે વધારાનો કર નાખ્યો. અને દમન શરુ કર્યું. ત્યારે આનો વિરોધ કરવા માટે રાજસ્થાન મેવાડના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ તેજાવતે પાલ અને દઢવાવ પાસે આવેલા મેદાનમાં એક સભા બોલાવેલી. આ સભામાં પોશીના અને આસપાસના ગામોના હજારો લોકો ઉમટી પડેલા. અને આ કાયદો નાબુદ કરવાના પ્રયાસો કરવાનું નક્કી થયું. ત્યારે અચાનક કોઈની બંદુકમાંથી ગોળી છૂટી અને આ ગોળી અંગ્રેજ અમલદાર એક.જી.સટ્ટનના કાનની નજીકથી પસાર થઇ. ગભરાયેલા અંગ્રેજ અમલદારે સૈન્યને ગોળીઓ ચલાવવા આદેશ આપી દીધો. જો કે ગોળીબાર અટકાવવા ત્યાં ઉભેલી બાલેટાગઢ ગામની એક આદિવાસી મહિલા સોમીબેન ગામીતે સુલેહ કરાવવા માટે પોતાની સાડી અંગ્રેજો અને વનવાસીઓ વચ્ચે ફેંકી.
 
આદિવાસી રીવાજ મુજબ એ રીતે કોઈ સ્ત્રી પોતાની સાડી ઉતારી બે પક્ષોની વચ્ચે ફેંકે તો ગમે તેવો સંઘર્ષ હોય પણ તે અટકી જાય છે. સુલેહ થઇ જાય છે પરંતુ આ વનવાસીઓની ઉગતી હિમત ડામી દેવા માટે અંતે અંગ્રેજોએ ઉતાર્યો કાળો કેર. અને શરુ કરાયું ફાઈરિંગ. રાજસ્થાનનાં ખેરવાડાથી આવેલી અંગ્રેજ પલટને કરેલા અંધાધુંધ ફાઈરીંગમાં ૧૨૦૦ લોકો મોતને ભેટ્યા. પાલગામના સામાજિક કાર્યકર ભરતભાઈ નગારચીના જણાવ્યાનુસાર બચવા માટે કેટલાલ કોટની દીવાલ કૂદેલા પણ તેઓ સીધા કુવામાં પડીને મોતને ભેટ્યા. તો બાકીની લાશો પણ અંગ્રેજોએ એ કુવામાં જ નાખી દીધેલી. તો અન્ય લાશોને બાજુમાંથી પસાર થતી ‘હેર’ નદીમાં વહાવી દીધી. ત્યારે અંગ્રેજોની આ દમનકારી નીતિમાં ૧૨૦૦ વનવાસીઓએ જીવ ગુમાવી શહીદી વહોરેલી.
 
 
ઘટનાની નોધ નાં લેવાઈ 
 
પાલમાં થયેલા આ હત્યાકાંડથી એક સમયે અંગ્રેજ સરકાર પણ હરકતમાં આવી ગયેલી. અને આ ઘટના દબાવી દેવા લોકો પર જુલમ વધારી દેવાયેલા. તો એ સમયે અખબારો પણ ગણ્યા ગાંઠ્‌યા હોવાથી આ વાત દબીને રહી ગઈ. અને એની કોઈ નોધ પણ ના લેવાઈ
 
લોકગીતોમાં સ્થાન 
 
પાલ ચિતરીયામાં થયેલા આ હત્યાકાંડની ભલે કોઈ જગ્યાએ નોધ નાં લેવાઈ પરંતુ અહીના વનવાસીઓએ પોતાના લોકગીતોમાં આ ઘટનાને સ્થાન આપ્યું. પોતાના લોકગીતો, લગ્નગીતોમાં આ ઘટનાનું વિવરણ કરાયું અને કંઠોપકંઠ ગાઈને એક બીજાને પહોચાડયા. આજે પણ આદિવાસી લગ્નોમાં આ ગીતો ગવાય છે.
 
“ પાલે કેકો આટો વાણિયા મોતિયા રે,
 
બે-બે ચાર રોટા મોતિયા રેપ
 
હાંસુ ચિતરિયાની નાળમાં મેળો ભેર હાંસુ આપડે ભોગ નહીં આલવોપ’’
 
તો અત્યારના શિક્ષિત આદિવાસીઓએ આ ગીતોને આદિવાસી ભાષામાંથી ગુજરાતી ભાષામાં પણ તૈયાર કર્યા છે. એમાંથી અંગ્રેજો દ્વારા કરાયેલા હત્યાકાંડનો તાદ્રશ ચિતાર મળે છે. આજે પણ આ વિસ્તારના મોડીયાવાળા, દનતોડકા, પોશીના, દાંતા, કોડીયાવાડા,અન્ખોદ્ર, ચિઠોડા, બાલેટાગઢ, દન્તોલી, વાલેરન, પરવટ સહિતના ગામોમાં આ હત્યાકાંડના શહીદોની ચોથી–પાંચમી પેઢી વસેલી છે.
 
ઘટનાનો સાક્ષી પાલ પેલેસ 
 
પાલ ગામમાં આવેલા પાલ પેલેસનો દરવાજો અને કિલ્લો આજે પણ આ હત્યાકાંડના મુક સાક્ષી બનીને ઉભા છે. આજે પણ આ પેલેસના દરવાજા પર અંગ્રેજોએ છોડેલી ગોળીઓના નિશાનો અકબંધ છે. પાલ હત્યાકાંડને આજે ૯૩ વર્ષ
આભાર - નિહારીકા રવિયા  થયા છતાં એના ઓછાયા આજે પણ પાલ ગામમાં છે. વિરોધ કરવા એકઠા થયેલા લોકોના હદય સોસરવી નીકળી ગયેલી ગોળીઓ દીવાલો સાથે અથડાઈને દીવાલો પર કાયમીના નિશાન છોડી દીધા છે.
 
સ્મારક 
 
મોડે મોડે પણ આ હત્યાકાંડની વિગતો વિષે લોકો જાણતા થયા. અને સાબરકાંઠા જીલ્લાના વહીવટી તંત્રે પણ આ વિગતોની નોધ લીધી અને અંતે હત્યાકાંડના આ સ્થળે બનાવાયું શહીદી સ્મારક. અંગ્રેજો સામે શહીદી વહોરનારા વનવાસીઓની યાદમાં બનાવાયેલા આ સ્મારકની મુલાકાતે ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પણ મુલાકાત લીધી અને ત્યાં ફૂલો અર્પણ કરી એ ૧૨૦૦ લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
 
હત્યાકાંડ હવે પુસ્તકરૂપે 
 
૧૯૨૨ થી હમણાં સુધી આ હત્યાકાંડ માત્ર વાતો માં જ વણાયેલો હતો પરંતુ હવે એને અક્ષર દેહ મળ્યો છે. વિજયનગરના ઈતિહાસ વિદ બીપીનભાઈના જણાવ્યાનુસાર હવે આ ઘટનાનો ચિતા રજુ કરતુ ૨૦૦ પાનાનું પુસ્તક તૈયાર કરાયું છે. આ પુસ્તકમાં હત્યાકાંડને લગતી નખશીશ માહિતી આલેખવામાં આવી છે. કોઈ અભ્યાસુ અહી આવે તો માત્ર પુસ્તક વાંચીને જ સમગ્ર ઘટનાને જાણી શકે એ માટે આ પ્રયાસ કરાયો છે. આનથી બાળકો પણ પોતાના વિસ્તારના ઇતિહાસની માહિતી મેળવી શકશે.
 
વિવાદ 
 
પાલ ચિતરીયામાં થયેલા આ હત્યાકાંડ બાબતે હવે ભલે વહીવટી તંત્ર સજાગ બન્યું છે. પરંતુ આ હત્યાકાંડ મામલે વિવાદ પણ ચાલે છે. એક પક્ષ એવો પણ છે કે એમના માનવા પ્રમાણે આ વિસ્તારમાં આવી કોઈ ઘટના બની નથી. આ માત્ર ને માત્ર ઉપજાવી કાઢેલી વાત છે. અને પોતાની વાત સાર્થક કરવા એમને લીધો છે સરકારી ગેજેટનો સહારો. ૧૯૬૦માં ગુજરાત જયારે મહારાષ્ટ્રમાંથી અલગ પડ્‌યું ત્યારે એ વખતે અંગ્રેજ સરકારે લખેલા ગેજેટનો એક અંક હિમતનગર ખાતે રહેતા વરિષ્ઠ પત્રકાર પાસે છે. એમાં ગુજરાતની તમામ ભૌગોલિક સ્થિતિ, ઘટનાઓ સહિતની વિગતો આલેખાઈ છે. પરંતુ એમાં ક્યાય પણ વિજયનગરના હત્યાકાંડનો ઉલ્લેખ નથી થયો. ત્યારે આ ગેજેટનાં આધારે તેઓ માંને છે કે વિજયનગરમાં આવી કોઈ જ ઘટના ઘટી નથી. ત્યારે જો આ વાત સાચી માનીએ તો સાબરકાંઠા જીલ્લાનું વહીવટી તંત્ર કયા આધાર ઉપર આ સ્મારકનો ઉલ્લેખ સાબરકાંઠાના ઇતિહાસમાં કરે છે.? જો કોઈ આધાર જ નથી તો ઈતિહાસ સાથે કેમ ચેડા થઇ રહ્યા છે.? સવાલો અનેક છે. જેના જવાબ હજુ સુધી મળ્યા નથી. પણ આ વિવાદ એક બાજુ મૂકી દઈ તો પણ વિજયનગરના આ સ્મારકની મુલાકાત લેવી એ પણ એક લ્હાવો છે.
 
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.