અમરેલીમાં SBIમાંથી 1.35 કરોડની ચોરી કરનાર તસ્કર CCTVમાં કેદ થયો

અમરેલી શહેરની મધ્યમાં સિટી પોલીસ મથક નજીક જ આવેલી એસબીઆઇ બેંકમાં સ્ટ્રોંગરૂમની પાછળના ભાગે એર સર્ક્યુલેશન માટે રાખેલી બારી તોડી એક તસ્કરે રૂા. 1 કરોડ 35 લાખ 30 હજારની રોકડ રકમ ચોરી લેતા સૌરાષ્ટ્રભરમા ચકચાર મચી છે. સ્ટ્રોંગરૂમના સીસીટીવીમા બુકાનીધારી તસ્કર કેદ થયો છે. જેમાં તેણે ટોપી પહેરેલી છે અને મોઢે રૂમાલ બાંધ્યો છે. નવાઇની વાત એ છે કે આ તસ્કર પોતાનાથી જેટલી લઇ શકાય તેટલી રોકડ ચોરી ગયો હતો. આમ છતા સ્ટ્રોંગરૂમમા 66 કરોડ 91 લાખ 60 હજાર હતા. અને બીજા પૈસા ન લઇ જઇ શકતા 65 કરોડ 56 લાખ 30 હજારની રકમ જેમની તેમ પડી રહી હતી. બનાવની જાણ થતા ખુદ એસપી ઘટના સ્થળે દોડી ગયા હતા.
 
અમરેલીમા ઇતિહાસની ચોરીની સૌથી મોટી ઘટના જન્માષ્ટમીના તહેવારોની રજામા અહીંના નાગનાથ મંદિર નજીક આવેલી એસબીઆઇ બ્રાંચમા બની હતી. અહીં કરન્સી ચેસ્ટ આપવામા આવેલી છે. જેના કારણે બેંકમા મોટી રકમનો સંગ્રહ કરાયો હતો. અહી 24 કલાક સિક્યુરિટી ગાર્ડ, સીસીટીવી કેમેરા, સ્ટ્રોંગરૂમની સાયરન વગેરે સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં તે તમામને ચકમો આપી તસ્કરે પોલીસને જાણે ખુલ્લી ચેલેન્જ આપી હતી. બેંકની પાછળ આવેલ જુની મામલતદાર કચેરી ખંઢેર હાલતમા પડી છે. તેની બારી વાટે પ્રવેશી તસ્કર બેંકની પાછળના ભાગે આવી ગયો હતો અને સ્ટ્રોંગરૂમમા એર સર્ક્યુલેશન માટે રાખેલી નાની બારી તોડી નાખી તસ્કર તેમા પ્રવેશી ગયો હતો. જેના કારણે બેંકમા સાયરન પણ ગુંજી ન હતી. આ તસ્કરે સ્ટ્રોંગરૂમમા કબાટ ખોલી તેમા રાખેલી રૂા. 1.35 કરોડની રકમની ચોરી કરી હતી. અને આ બારી વાટે જ તસ્કર બહાર નીકળી ગયો હતો. સ્ટ્રોંગરૂમના સીસીટીવીમા બુકાની બાંધેલો એક તસ્કર કેદ થયો હતો.
 
શનિવારે રાત્રે જ આ બેંકમા રાજકોટથી વાહનમા મોટી રોકડ લાવવામા આવી હતી. મંગળવારે સવારે બેંક ખુલતા જ કર્મચારીઓને ચોરીની જાણ થતા સિટી પોલીસને જાણ કરાઇ હતી. જેને પગલે ખુદ જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાય જંગી પોલીસ કાફલા સાથે અહીં દોડી આવ્યા હતા અને તસ્કરની ભાળ મેળવવા સીસીટીવી ફુટેજ, ડોગ સ્ક્વોડ, એફએસએલ વગેરેની મદદ લેવાઇ હતી. મોડી સાંજે આ અંગે બેંક અધિકારીઓએ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
 
ખુદ જિલ્લા પોલીસવડા 1.35 કરોડની ચોરીનો ભેદ ઉકેલવા સક્રિય બન્યા છે અને તેમણે ઘટનાની જાણ થતાની સાથે જ જુદી જુદી ચાર તપાસ ટુકડીઓ નીમી દીધી હતી. આ ટુકડીઓમા 30 કર્મચારીઓએ જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે. 
 
એક તરફ તગડી રકમની ચોરીએ બેંકના કામને પ્રભાવિત કર્યું હતું. તો બીજી તરફ બેંકના લોકરો પણ તુટ્યાની અફવાઓ ઉડતા ગ્રાહકો અને ખાસ કરીને મહિલાઓએ બેંકમા ધસારો કરી મુક્યો હતો. જો કે લોકરો સલામત હોવાનું જાણ્યા બાદ ગ્રાહકોને હાશકારો થયો હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.