ધાનેરાના નાની ડુંગડોલ ગામે રેલવે અન્ડર બ્રિજની પાઇપમાં ફસાઈ ગયેલ યુવકને રેસ્ક્યુ કરી બહાર કઢાયો

ધાનેરા તાલુકાના નાની ડુંગડોલ ગામ નજીક રેલવે અન્ડર બ્રિજ નીચેથી પસાર થતી પાઇપ લાઈનમાં એક યુવક ફસાઈ ગયો હતો. જેની જાણ થતા ધાનેરા પોલીસ અને ફાયર ફાયટરની ટીમે કલાકોની જહેમત બાદ રેસ્ક્યુ કરી યુવકને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યો હતો.
 
ધાનેરા તાલુકાના નાની ડુંગડોલ ગામ નજીક રેલવે અન્ડર બ્રિજ આવેલો છે.જ્યાં રેલવે વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે બ્રિજની નીચે પાઇપ લાઈન મુકવામાં આવી છે. દરમ્યાન આજે સવારે કેટલાક લોકો બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પાઇપ લાઈનમાં કોઈ વ્યક્તિ હોય તેવો અવાજ આવતા લોકોએ પાઇપમાં બેટરી લાઈટ દ્વારા જોતા અંદર કોઈ ઈસમ ફસાયેલો હોવાનું જોવા મળ્યું હતું. આ વાતની જાણ આસપાસના ખડુતો તેમજ ગ્રામજનોને થતા ઘટના સ્થળે મોટા પ્રમાણમાં ભેગા થયેલા ગ્રામજનોએ આ યુવકને બહાર કાઢવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે, વરસાદી પાણીનો નિકાલ થતો હોવાથી પાઇપમાં રેતી જામી ગઈ હોઈ આ યુવકને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી હતી.આથી સ્થાનિક આગેવાનો દ્વારા ધાનેરા પોલીસનો સંપર્ક કરતા ધાનેરા પોલીસ ઇન્સપેક્ટર સી. જે. સોલંકી તેમજ પીએસઆઈ વી. જે. પ્રજાપતિ સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને નગરપાલિકાના ફાયર ફાયટરના ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને કલાકોની જહેમત બાદ પાઇપ લાઈનમાં જગ્યા કરી એક યુવકના પગે દોરી બાંધી તેને પાઈપમાં ધકેલી ફસાયેલા યુવકને બહાર કાઢ્યો હતો.જોકે,યુવકના શરીર પર ચારે કોર માટી ચોંટેલી હોવાથી પહેલા ફાયર ફાઇટરની મદદથી યુવક પર પાણી નાખી માટી સાફ કરી હતી. બાદમાં પોલીસ દ્વારા તે ક્યાંનો છે કઈ રીતે અહીં આવ્યો તેવી પૂછપરછ કરતા યુવકે કઈ પણ જણાવ્યું ન હતું.પોલીસે આ હિન્દી ભાષી યુવકને હાલ ધાનેરા પોલીસ મથકે લાવી આ યુવકની ઓળખ માટે તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.