ર૦૧૪ માં ‘નોટા’ માં ૧૭૩૯૭ અને ‘પોસ્ટલ’ માં ૩૩રપ મત પડયા હતા

ડીસા ર-બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ‘મોદી મેજીક’ વચ્ચે ર૦૧૪ માં યોજાયેલી ચૂંટણીમાં ‘નોટા’ ૧૭૩૯૭ મત સાથે ત્રીજા નંબરે રહ્યું હતું. જયારે ૩૩રપ ના થયેલા ‘પોસ્ટલ’ મતદાનમાં પણ ભાજપે કોંગ્રેસને હરાવ્યું હતું. ત્યારે આ વખતની ચૂંટણીમાં ‘નોટા’ અને ‘પોસ્ટલ’ મતદાન ઉપર બનાસવાસીઓની નજર મંડરાઈ છે.
લોકશાહીમાં લોકો કેન્દ્રમાં રહે છે તેથી લોકોને અમર્યાદિત અધિકારો આપવામાં આવેલ છે. તેમાં પણ ચૂંટણીમાં લોકોને ફરજીયાત ઉભા રહેલા ઉમેદવારોને જ મને - કમને મત આપવો પડતો હતો. ત્યારે વ્યાપક સંશોધન બાદ સુપ્રિમ કોર્ટના આદેશથી ચૂંટણી પંચે ર૦૧૩ માં લોકોને ચૂંટણી મેદાનમાં રહેલા એકેય ઉમેદવાર પસંદ ન હોય તો ‘નોટા’ નો વિકલ્પ આપ્યો છે. ચૂંટણીમાં મની અને મસલ પાવર સાથે જાતિવાદના દૂષણને રોકવાનો આ કારગત ઉપાય છે. ચૂંટણી જીતવા પક્ષો લોકોની લાગણીને પારખ્યા વિના ગમે તેવા અસામાજીક તત્વને પણ ઉમેદવાર તરીકે ઉભો રાખી દે છે પરંતુ ‘નોટા’ ના હથિયાર દ્વારા લોકો પક્ષોના મોવડી મંડળને કાનપટ્ટી પકડાવી  શકે છે. ચૂંટણીમાં બાહુબલિ અને અસામાજીક તત્વોને પસંદ કરતા પક્ષોને ‘નોટા’ સર્વસંમત અને તટસ્થ ઉમેદવારને પસંદ કરવા મજબુર બનાવી શકે છે. જેના કારણે આગામી સમયમાં પક્ષોના ગણિત બદલાઈ શકે છે. ર૦૧૪ ની ચૂંટણીમાં ઈ.વી.એમ. મશીનમાં પ્રથમવાર ‘નોટા’ (નન ઓફ ધ એબોવ) નો ઉપયોગ થયો હતો. જેમાં ‘નોટા’ ના મતો જીતની સરસાઈ ઘટાડવામાં પ્રથમ તબકકે જ સફળ રહ્યાં હતા. મતલબ ‘નોટા’ ને મળેલા મત અન્ય ઉમેદવારને મળ્યા હોત તો હાર-જીતનું પરિણામ બદલાઈ જાત... આ લોકશાહીની મોટી જીત છે અને હવે લોકોમાં ધીમે ધીમે તેના પ્રત્યે જાગૃતિ આવતી જાય છે. તેથી ‘નોટા’ ઈતિહાસ રચવા તરફ અગ્રેસર છે. બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો ર૦૧૪ માં ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર હોવાના કારણે ‘મોદી મેજીક’ ચરમસીમાએ હતો. એ વખતે પ્રથમવાર ભાજપ - કોંગ્રેસના બે ચૌધરી ઉમેદવારો  વચ્ચે જંગ હતો. તેમની સાથે અન્ય ૧ર ઉમેદવારો પણ મેદાનમાં હતા. પરંતુ રાજકીય પક્ષોના ‘જાતિવાદ’ ને બનાસવાસીઓએ ફગાવી દેતા ‘નોટા’ ને ૧૭૩૯૭ મતો મળ્યા હતા. જે મતો ભાજપ - કોંગ્રેસ બાદ ત્રીજા નંબરે રહ્યા હતા. બાકીના બસપા સહિતના અપક્ષ ૧ર ઉમેદવારો પણ ‘નોટા’ ની પાછળ રહ્યાં હતા. આ વખતે પણ ભાજપ - કોંગ્રેસે ફરી જાતિવાદ કાર્ડ ખેલ્યું છે ત્યારે ‘નોટા’ ના મતોને લઈ ઉત્સુકતા છવાઈ છે. એ જ રીતે ર૦૧૪ માં ચૂંટણીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓનું ૩૩રપ જેટલું ‘પોસ્ટલ’ મતદાન થયું હતું. જેમાં ભાજપને સૌથી વધુ ૧૬૧પ અને કોંગ્રેસને ૧૪૮૭ મત મળ્યા હતા. જયારે બાકીના રર૩ મત અન્ય ઉમેદવારોના ફાળે ગયા હતા. આ વખતે પગાર સહિતના અનેક પ્રશ્ને સરકારી કર્મચારીઓ નારાજ છે. જેને લઈ આંદોલનો પણ થયા છે ત્યારે ‘પોસ્ટલ’ મતદાન કોને ફળશે ? તેને લઈને પણ બનાસવાસીઓમાં અત્યારથી જ ઉત્સુકતા છવાઈ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.