અમદાવાદ શહેરમાં હજુ 27 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ

અમદાવાદ: શહેરમાં ચાલુ ચોમાસાની સિઝનમાં હજુ સુધી માત્ર ૧૩ ઇંચ વરસાદ નોંધાયો છે. જો કે હજુ સુધી વરસાદમાં લગભગ પચાસ ટકાની ઘટ છે. તેમ છતાં આટલા ઓછા વરસાદમાં ૬૪થી વધુ ભૂવા પડી ચુક્યા હોઇ લોકોમાં ગભરાટ
ફેલાયો છે.

બીજી તરફ પાણીજન્ય રોગચાળો પણ બેકાબૂ બન્યો છે. દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આગામી તા.ર૭ ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેશે. જે દરમ્યાન ક્યારેક ક્યારેક વરસાદના ભારે ઝાપટાં પણ પડશે.

ચાલુ ચોમાસામાં અમદાવાદીઓ માટે ઠેરઠેર અચાનક પડતા ભૂવા ત્રાસદાયક બન્યા છે. ક્યાંક ક્યાંક તો ભૂવામાં કાર ગરકાવ થઇ છે. જો કે વગર વરસાદે પણ શહેરમાં ભૂવા પડ્યા છે. પરંતુ દર વખતે મ્યુનિસિપલ સત્તાવાળાઓ સામાન્ય બ્રેકડાઉનમાં ગણાવીને પ્રજાને ઊઠાં ભણાવે છે.

ચોમાસા દરમ્યાન પાણીજન્ય રોગચાળો બેફામ બનતા પણ ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે. ચાલુ ઓગસ્ટ મહિનાના પહેલા ૧૮ દિવસમાં જ તંત્રના ચોપડે સાદા મેલેરિયાના ૮૭પ અને ઝાડા ઊલટીના પ૧પ કેસ નોંધાઇ ચુક્યા છે.

કમળો, ટાઇફોઇડ અને કોલેરાના કેસમાં પણ વધારો થયો છે. આની પાછળ પણ હેલ્થ અને ઇજનેર ખાતામાં સંકલનનો અભાવ હોઇ લોકોને હેરાન થવું પડે છે.

દરમ્યાન આજે સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહીને કોઇક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. જ્યારે શહેરનું લઘુતમ તાપમાન ર૪.૮ ડિગ્રી સેલ્યિયસ નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન જેટલું જ હતું.

શહેરમાં આગામી તા.રપ ઓગસ્ટ સુધી વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ તો આગામી તા.ર૬ અને ર૭ ઓગસ્ટ વરસાદના ભારે ઝાપટાં પડવાની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.

આ દરમ્યાન રાજ્યના મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નવસારી અને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનાં કેટલાક વિસ્તારમાં આગામી તા.રર અને ર૩ ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.