સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલે પ્રકૃતિના ખોળે બેસીને પહેલો એકડો ઘૂંટ્યો હતો

ગુજરાત
ગુજરાત

જિંદગીમાં સંઘર્ષ આવતા હોય છે પરંતુ ડર્યા વગર તેનો સામનો કરવાથી સુખનું નિર્માણ થાય છે. ગલબાકાકાએ નાનપણથી જ જિંદગીમાં સંઘર્ષ જોયો હતા, કદાચ એટલે તેઓ ખૂબ જ મક્કમતાભરી જિંદગી જીવ્યા હશે. ગલબાકાકાએ ડગલેને પગલે તડકા-છાંયડી જોઈ હતી. માત્ર બે વર્ષ ની ઉંમરે મા-બાપની છત્રછાયા ગુમાવી દીધી હતી.
ગલબાભાઈના પિતા વડગામ તાલુકાના સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર હતા. ગલબાભાઈના  પિતા જિંદગીમાં અંધારમાં અટવાયેલા રહેતા હતા. ઘરના દીવાથી તેઓ વંચિત હતા. માત્ર એક ટેક લાકડીની ખોટ વર્તાઈ રહી હતી. માનવી ગમે તેટલો સુખી સંપન્ન હોય  તો પણ જીવનમાં  જેને  ટેક લાકડી ન હોય ત્યારે દુઃખ વર્તાતું હોય છે. આ દુઃખ જીવનભર અફસોસ કરાવતું હોય છે. અનેક બાધાઓ, અનેક માનતાઓ બાદ નાનજીભાઈ પટેલને ત્યાં પગલીનાં  પાડનારનો  જન્મ થયો પરંતુ પછી પિતા તરીકેનું સુખ ઝાઝું ટક્યું નહીં, કુદરતને આ સુખ જાણે મજૂંર ન હોય એવી રીતે કુદરતે તેમને કાળનો કોળિયો બનાવી દીધા. તે સમયે ગલબાભાઈ પટેલની ઉંમર માત્ર બે વર્ષની હતી.
નાનજીભાઈ પટેલ એ ઈશ્વરના ઘરની વાટ પકડી અને અનંત યાત્રામાં ઉપડી ગયા અને કુટુંબ પર જાણે આફતનું આભ તૂટી પડ્‌યું હતું. ઘરમાં ગલબાભાઈ પટેલનાં માતાજી હેમાબેન  માટે ડુસકા અને મૌન સિવાય કશું બચ્ચું ન હતું.  ગલબાભાઈનાં પિતા નાનજીભાઈ અનંત યાત્રામાં ઉપડ્‌યા પછી હેમાબેન વૈદ્યવ્યના આકરા ઘાને સહન ન કરી શક્યા અને માત્ર છ મહિના પછી જ નાનજીભાઈની પાછળ  તેઓએ  પણ સ્વર્ગની વાટ પકડી હતી. જિંદગી કદીય એક સરખી રહેતી નથી. એમાં સતત ફેરફાર થયા કરે છે. દરેક ક્ષણ  નવી હોય  છે, જિંદગી રોજેરોજ નવા પ્રશ્નો ઉઠાવે છે. દંભ જીવનને કળાથી દૂર રાખે છે. જીવવાની કળા પ્રાપ્ત થાય  ત્યારે જીવનમાં સર્જનાત્મકતાનો ઉદય થાય છે, બસ સ્વ. ગલબાભાઈ નાનાજીભાઈ પટેલમાં પણ  ઠાંસી ઠાંસીને સર્જનશક્તિ ભરી હતી અને તે આવનાર દિવસો  દીપાવનારી હતી.
મા અને બાપની કુમળી વયે છત્રછાયા ગુમાવનાર ગલબાભાઈને ઉછેરવાની જવાબદારી નાનજીભાઈના  નાનાભાઈ દલુભાઈ પટેલે સંપૂર્ણ રીતે ઉપાડી લીધી હતી. માનવીને  ખરેખર તો વ્હાલભર્યો  સ્પર્શ અને પ્રેમ ભીનો મીઠો આવકાર હોય તો રણ જેવી બળબળતી જિંદગી પણ બાગ બની જતી હોય  છે, એવું ‘ગલબાકાકા’ના જીવનમાં પણ થયું હતું. માત્ર બે વર્ષની ઉંમરે મા- બાપની છત્રછાયા ગુમાવનાર ગલબાભાઈ પટેલને કાકા દલુભાઈના કુંટુંબ તરફથી પ્રેમ અને હુંફ મળી રહ્યા હતા તેના લીધે ગલબાભાઈને જાણે નવી જિંદગી મળી હોય એવા અહેસાસ સાથે મા- બાપ જેવો જ પ્રેમ મળી રહેતો હતો. 
ગલબાભાઈ નાનજીભાઈ પટેલના  કાકીનું નામ મેનાબેન હતું. મેનાબેન ખૂબ જ પ્રેમાળ  સ્વભાવના હતા. સ્વભાવે સરળ અને માનવી દ્રષ્ટિ ધરાવનાર હતા. કાકાની અંદર માનવતાના તમામ ગુણો  હતો.  ગલબાભાઈ પટેલને  પ્રેમાળ કાકી મેનાબેને ઉછેરીને દસ વર્ષનાં કર્યા હતો.
ગલબાભાઈના મોટા કાકા ધનરાજભાઈ  પટેલ નળાસરમાં  એ જમાનામાં  સામાજિક આગેવાન અને પટેલ હતા. પોતાના કામમાંથી  ભાગ્યે જ નવરાશ મળતી એટલે કે લગભગ પોતાની પટલાઈમાં જ સતત વ્યસ્ત રહેતા હતા, તેમાં છતાં પણ મા- બાપ વગરનાં પોતાના ભત્રીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતા અને તેના પર હેત વર્તાવતા હતા. મોટા કાકા મનોમન ઇચ્છતા હતા  કે ‘ગલબો’ જીવનમાં સેવાભાવી મોટો માણસ બને…
એ સમયે બનાસકાંઠા જેવા પછાત  જિલ્લામાં ભણતરનું એટલું ચલણ ન હતું. ગલબાભાઈ પટેલને  કાકી-કાકીના પ્રેમ ભરી હુંફ મળી રહી હતી. ગલબાભાઈ  સીમમાં  ઢોર લઈને ચરાવવા જતા હતા પરંતુ આ માસૂમ બાળકનું  મન તો ભણવા માટે સતત વિચાર મગ્ન રહેતું હતું. આખરે માણસે  જિંદગીનાં સરવાળા-બાદબાકી ઉકેલવાના હોય છે. ગલબાભાઈ પટેલની વૃત્તિ લોકોની જિંદગીને શણગારવા માટેની મથામણ રહી હતી.
આ જગતમાં રેડીમેડ કપડાં મળી રહે છે પણ રેડીમેડ વિચારો કોઈ તમને આપશે નહીં. એટલે કદાચ ગલબાભાઈ પટેલે પોતાની  જિંદગીનું  જાતે ઘડતર કરવાનું નક્કી કર્યું હતું. જેમણે આકાશ જેટલી સફળતા પ્રાપ્ત કરવી હોય છે તેના માટે આકાશ ખુલ્લું હોય છે. ગલબાભાઈ પટેલના સમયમાં બનાસકાંઠા જિલ્લો બિલકુલ પછાત હતો અને હજારોમાં કોઈ એક ભણેલો માણસ મળતો પણ બનાસના પનોતા પુત્ર  ગલબાભાઈ પટેલે તો  દ્રઢ સંકલ્પ કર્યા હતો કે ‘જીવનમાં ભણી-ગણીને આગળ વધવું છે અને જિલ્લાના ગરીબ લોકોને  નવી જિંદગી આપવી છે.’
હવે સવાર પડે અને ગલબાભાઈ દરરોજ પશુધનને લઈને સીમમાં ચરાવવા જાય અને મનોમન વિચાર કરે શું જીવન આંમ  જ પાસર  થશે? આ વિચાર ગલબાભાઈના મનમાં સતત  ફર્યા કરતો હતો.
ગલબાભાઈ પટેલના ખાસ મિત્ર ગલબાભારથી હતા. બન્નેની પાક્કી ભાઈબંધી હતી. બંને સીમમાં પશુધન સાથે ચરાવતા હતા. કયારેક ગલબાભારથી પોતાના મિત્રને પૂછી લેતા -‘‘ અલ્યા, તું શું વિચારે છે ?” ત્યારે ગલબાભાઈ પટેલ  કહેતા કે , ‘‘ શું આપણું જીવન આવી રીતે જ  પસાર થઇ  જશે? આપણે બે ચોપડી ભણવું જોઈએ’’
ગલબાભાઈનો મિત્ર  ગલબાભારથી હસી પડયો અને
આભાર – નિહારીકા રવિયા  કહ્યું- એમાં  વળી શું થઇ ગયું…? 
‘‘ લે હું તને ભણાવું …’’ 
-‘‘ ખરેખર તને ભણતર  આવડે છે …?
ત્યારે ગલબાભારથી કહ્યું- ‘‘હા, મને ભણતર   આવડે છે’’
ગલબાભારથી નામનો એ સમયમાં આખા નળાસરમાં માત્ર એક જ છોકરો  ભણેલો હતો, તે પોતાના મામાને ત્યાં રહીને ભણીને આવેલો. 
ગલબાભાઈ અને ગલબાભારથી બન્નેની મિત્રતા ગાઢ બની ગઈ હતી. બન્ને સાથે-સાથે પશુધન  ચરાવવા જાય એક જ સીમમાં પશુધન છૂટા મુકીને ઝાડના શીતળ છાંયડામાં બેસી જાય અને આ તેમનો નિત્ય ક્રમ બની ગયો હતો.
બસ,  આમ ગલબાભાઈ નાનજીભાઈ પટેલે પ્રકૃતિના ખોળે બેસીને પહેલો એકડો  ઘૂંટ્યો હતો..
ક્રમશ…

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.