ગયા અઠવાડિયે દેશ-દુનિયામાં લોકોએ ફ્રેન્ડશિપ-ડે સેલિબ્રેટ કર્યો. આ પ્રસંગે લોકોએ તાના દોસ્તોને ખાસ ભેટ પણ આપી, પરંતુ મધ્યપ્રદેશમાં એક 10મા ધોરણના વિદ્યાર્થીએ પોતાના દોસ્તો માટે જે કર્યું તે સાંભળીને લોકોના મોંઢા આશ્ચર્યથી પહોળા થઇ ગયા. જબલપુર જિલ્લામાં ફ્રેન્ડશિપડે ના દિવસે એક વિદ્યાર્થીઓ પોતાના પિતાના 46 લાખ રૂપિયા ચોરીને સ્કૂલના દોસ્તોમાં વહેંચી દીધા. વિદ્યાર્થીએ મજૂરી કરતા દોસ્તોને સૌથી વધુ 15 લાખ રૂપિયા આપ્યા. જ્યારે હોમવર્ક કરી આપતા એક ક્લાસમેટને ત્રણ લાખ રૂપિયા આપ્યા. એટલું જ નહીં, વિદ્યાર્થીએ સ્કૂલ અને કોચિંગમાં પોતાની સાથે ભણતા 35 દોસ્તોને સ્માર્ટફોન્સ અપાવ્યા, તો ઘણાને ચાંદીની ચેઇન ગિફ્ટ કરી. કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીના એક દોસ્તે તાજેતરમાં જ એક નવી કાર ખરીદી છે.
આ વિદ્યાર્થીના પિતા વ્યવસાયે એક બિલ્ડર છે. બિલ્ડરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની તિજોરીમાંથી 60 લાખ રૂપિયા ગાયબ થઇ ગયા છે. તેણે તાજેતરમાં જ થયેલા એક મોટા વેચાણમાંથી મળેલા 60 લાખ રૂપિયા તિજોરીમાં મૂક્યા હતા.
પૈસા ગાયબ થવાની જાણ થતાં જ તેઓ પોલીસ પાસે પહોંચ્યા હતા. ફરિયાદ નોંધાયા પછી તપાસ માટે પહોંચેલી પોલીસને ચોરી જેવો કોઇ મામલો લાગ્યો ન હતો.
ત્યારબાદ તપાસમાં જાણ થઇ કે બિલ્ડરના દીકરાએ જ રોકડ કાઢી લઇને પોતાના દોસ્તો અને જરૂરિયાતવાળા લોકોમાં વહેંચી દીધી હતી.
વિદ્યાર્થીના પિતાએ પોલીસને એક લિસ્ટ આપી છે જેના આધારે પોલીસ તમામ વિદ્યાર્થીઓનો સંપર્ક કરવાની કોશિશમાં લાગેલી છે. અત્યાર સુધી પોલીસે 15 લાખ રૂપિયા રિકવર કર્યા છે.
એક દૈનિક મજૂરનો દીકરો પૈસા મળ્યા પછીથી ગાયબ છે. વધુ રકમ મેળવનારા પાંચ સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સને બોલાવીને પાંચ દિવસમાં પૈસા પાછા આપવા માટે કહ્યું છે.
એસઆઇ બીએસ તોમરે જણાવ્યું કે અમે બાકીના પૈસા પાછા મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, તમામ વિદ્યાર્થીઓ સગીર હોવાને કારણે કોઇ કેસ નોંધવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓના માતા-પિતાઓને પૈસા પાછા આપવાનું કહેવામાં આવ્યું છે.
Tags :