મહેસાણા: શાળાના આચાર્ય નૃત્ય કરીને વિદ્યાર્થીઓને સમજાવે છે અઘરા પાઠ

મહેસાણા જિલ્લામાં એક એવી પણ શાળા છે, જ્યાં બાળકોને કોઇ વિષય અઘરો લાગે તો તે સીધા આચાર્ય ગોદડજી ઠાકોર પાસે પહોંચી જાય છે. આચાર્ય પણ બાળકોનો શિક્ષણનો આ ભાર દૂર કરવા ખુદ સ્ટેજ કલાકાર બની પપેટ દ્વારા સમજણ પાડે છે. આ તેમનો નિત્યક્રમ બની ગયો છે. વિષયને અનુરૂપ સંગીતના તાલે કાવ્યાત્મક કે વાર્તા સ્વરૂપે જ્ઞાન પીરસવાથી બાળકોમાં પણ તેમને નહીં સમજાવતી વાતો ઝડપથી ગ્રહણ કરી લે છે.
 
સતલાસણા તાલુકાની ધરોઇ પગાર કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓ અન્ય શાળાઓ કરતાં વધુ નસીબદાર છે, કેમકે તેમને શિક્ષણ આપવા શિક્ષકોની સાથે તેમના આચાર્ય ઠાકોર ગોદડજી સૂરજજી પણ ખડેપગે રહે છે. આચાર્ય આંતરે દિવસે વર્ગખંડોની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને કોઇ વિષય અઘરો લાગે છે કેમ તેની પૂચ્છા કરે છે. તો કોઇ વિદ્યાર્થીને કોઇ વિષયમાં ખ્યાલ ન આવતો હોય તો તે સીધા જ આચાર્ય પાસે પણ જઇ શકે છે.
 
વિદ્યાર્થીઓની માંગના આધારે આચાર્ય જે-તે વર્ગના વિદ્યાર્થીઓને શાળાના હોલમાં એકઠા કરી વિષયને અનુરૂપ સંગીતના તાલે પપેટ દ્વારા કાવ્યાત્મક કે વાર્તા સ્વરૂપે વિષયને સમજાવે છે. જો બાળકો કંટાળેલા હોય તો તેમને વિષય રૂચિ કેળવવા પોતે શિક્ષણને લગતાં અથવા નજીકમાં આવતાં તહેવારોને અનુરૂપ ગીતો ગાઇ પોતે સંકોચ રાખ્યા વિના નૃત્ય પણ કરી લે છે. આચાર્યની આ કલાત્મક શિક્ષણ પદ્ધતિને જિલ્લા અને રાજ્ય શિક્ષણ વિભાગે સન્માનિત પણ કર્યા છે.
 
અંગ્રેજીના સ્પેલિંગ પપેટના પાત્રો બોલે એટલે સામે વિદ્યાર્થી પણ બોલે. 
અંગ્રેજીમાં થતી વાતચીતના પ્રશ્નો આચાર્ય પપેટ દ્વારા પૂછે એટલે વિદ્યાર્થીઓ તેના જવાબ આપે છે, ન સમજાતાં વાક્યોને રિપીટ કરાય છે. 
ઐતિહાસિક ઘટના સમજાવવા આચાર્ય સાથે સ્ટાફ હાથમાં જુદા જુદા પપેટ લઇ પાત્રોની ભૂમિકા ભજવી વાર્તારૂપે બાળકોને સમજ આપે છે. 
પાર્થના, ગુજરાતી અને હિન્દી કાવ્યોને યાદ રાખવા પપેટ દ્વારા તેનું ગાન કરાવાય છે, સાથે વિદ્યાર્થીઓ પણ ગાન કરે છે. ગુજરાતી અને હિન્દી વિષયની વાર્તાઓ ખુદ વિદ્યાર્થીઓ પપેટ દ્વારા અન્ય વિદ્યાર્થીઓને કહી સંભળાવે છે. 
સ્વચ્છતા, પાણી બચાવો, વ્યસન મુક્તિ સાથે ટીવી અને મોબાઇલથી દૂર રહેવા જેવા વિષયોનું માર્ગદર્શન આપવા માટે ગ્રામીણ ભાષામાં વાર્તારૂપે સમજાવાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.