બનાસકાંઠામાં ઉંચુ મતદાન - આક્રોશ કે અહોભાવ...ઘૂંટાતું રહસ્ય...!!!

ડીસા બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં પ્રારંભે કોંગ્રેસ બાદ સ્વતંત્ર પક્ષ અને જનતાદળના ઉમેદવારનો વિજય થયેલો છે પરંતુ ૧૯૯૧ પછી મુખ્યત્વે પરંપરાગત હરીફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ ખેલાય છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ઠાકોરસેના સમર્થિત અપક્ષ ઉમેદવારની દાવેદારી અને ચૂંટણીમાં નિરસતા બાદ બનાસવાસીઓના વિક્રમી મતદાનથી ફરી એકવાર અણધાર્યા પરિણામની આશંકા ઉઠવા પામી છે.
૧૯પર માં ગુજરાત જયારે બૃહદ મુંબઈ રાજય સાથે સંકળાયેલું હતું ત્યારે લોકસભાની પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસે દેશની આઝાદીમાં ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકાના કારણે પ્રારંભે દેશની જેમ રાજયમાં પણ કોંગ્રેસનો દબદબો હતો. જેથી કોંગ્રેસના ગાંધી વિચારોને વરેલા સ્વ.અકબરભાઈ ચાવડાને જિલ્લાના પ્રથમ સાંસદ બનવાનું શ્રેય મેળવ્યું હતું. એ પછી વચ્ચે સ્વતંત્ર પક્ષ અને જનતાદળના ઉમેદવારે જીત મેળવી હતી પરંતુ ૧૯૯૧ માં અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદ બાદ હાર - જીતના સમીકરણો બદલાયા હતા. જેમાં ઉદય પામેલ ભાજપ કોંગ્રેસને કસોકસની ટક્કર આપવા લાગ્યો હતો. તેથી ૧૯૯૧ પછી લોકસભાની યોજાયેલી ૮ ચૂંટણીમાં પ માં ભાજપ અને ૩ માં કોંગ્રેસે જીત મેળવી છે. પરંપરાગત હરીફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની કાંટાની ટક્કરમાં અન્ય પ્રાદેશિક પક્ષો કે અપક્ષોની કોઈ કારી ફાવતી નથી. ર૦૧૪ ની ચૂંટણીની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસે પ્રથમવાર એક જ જાતિના ચૌધરી - પટેલ ઉમેદવારોને ઉભા રાખી ચૂંટણી રસપ્રદ બનાવી દીધી હતી. જેમની સાથે બસપા અને સપા તથા અપક્ષ મળી અન્ય ૧ર ઉમેદવારો પણ મેદાનમાં હતા પરંતુ ‘મોદી લહેર’ વચ્ચે ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જયારે બાકીના બારેય ઉમેદવારોને માન્ય મતો કરરતા છઠ્ઠા ભાગના મતો પણ ન મળતા ડીપોઝીટ ‘ડૂલ’ થઈ હતી. મતલબ બનાસવાસીઓ ત્રીજા વિકલ્પ પસંદ કરતા નથી. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસે ‘જાતિવાદી કાર્ડ’ ખેલ્યું છે. જેમાં ભાજપના સર્વસંમત ઉમેદવાર પરબતભાઈ પટેલને સહકારી ક્ષેત્રના દિગ્ગજ આગેવાન પરથીભાઈ ભટોળે ટક્કર આપી છે. કારણ આ ચૂંટણીમાં ‘પરોક્ષ’ પરીબળોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જે સામાન્ય મતદારની સમજ બહાર છે. વળી, ખેડૂતો સહિત આમપ્રજાની નારાજગી વચ્ચે ભાજપના સાંસદ પ્રજા વચ્ચે રહ્યાં નથી તે હકીકત છે. તેમ છતાં સટોડીયાના મતે મજબુત સંગઠનના સહારે ભાજપ જીત તરફ અગ્રેસર છે. જા કે, અત્યાર સુધીની ચૂંટણીઓના પરિણામ જાતા બનાસવાસીઓ અણધાર્યા પરિણામો આપવા પાવરધા છે. તેમાં પણ ભાજપ - કોંગ્રેસે પ્રચારમાં ભારે ધમપછાડા કરવા છતાં છેલ્લી ઘડી સુધી ચૂંટણીનો માહોલ જામ્યો ન હતો. તેમ છતાં બનાસવાસીઓએ કચકવાવીને ૬૪.૭૦ ટકા જેટલું વિક્રમી મતદાન કરી ફરી એકવાર હર કોઈને ચોંકાવી દીધા છે. તેથી ફરી અણધાર્યુ પરિણામ આવવાની શકયતા વધી જાય છે.
મૂળ વાત ઉપર આવીએ તો સામાજીક દૂષણોને હટાવી સમાજની એકતાને લઈ ઉદ્‌ભવેલી ઠાકોર સેનાનું બીજ વિરમગામથી અંકુરીત થયું હતું. પરંતુ બનાસકાંઠામાં ઠાકોર સમાજની બહુમતિને લઈ આ બીજ ફાલ્યું ફૂલ્યું હતું. જેના વડા અલ્પેશ ઠાકોરને પણ ઠાકોર સેનાની જીદ આગળ ઝૂકી જઈ ઠાકોર સેના સમર્થિત અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરરની બે સભાઓ ગજવવી પડી હતી. તેના પરથી જિલ્લામાં ઠાકોર સેનાના સંગઠનનો કયાસ નીકળી શકે છે. જા કે, ચૂંટણીની રાજ રમતમાં ઠાકોર સેનાનું વિભાજન થવા પામ્યું છે. તેમ છતાં તેમની દાવેદારી નજર અંદાજ કરી શકાય તેમ નથી. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના વતન થરાદ અને દાંતામાં ઉંચુ મતદાન થવા પામ્યું છે. તેથી સરસાઈ (લીડ) માટે અન્ય તાલુકાનું મતદાન નિર્ણાયક બની ગયું છે. જેમાં અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને મળનાર મતો પણ નિર્ણાયક પુરવાર થઈ શકે છે. તેથી આ ચૂંટણી ઠાકોર સેનાના વટનો પ્રશ્ન બની ગઈ છે. જેની દૂરોગામી અસરો સર્જાશે તે પણ નકકી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.