ડીસા તાલુકાના શમશેરપુરા ગામના હાઇવે પર મંગળવારની વહેલી સવારે ડીસા ખાતે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થી ભાઈબહેનોએ એસ.ટી બસોને રોકાવીને ભારે વિરોધ દર્શાવ્યો હતો.
ડીસા તાલુકાના ગોઢા,દામા, રામપુરા,જોરાપુરા, શમશેરપુરા ગામના ૨૦૦થી વધૂ વિદ્યાર્થી ભાઈબહેનો ડીસા ખાતે શાળા કોલેજમાં અભ્યાસ અર્થે આવે છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે આવતી બસો અનિયમિત અને હાઉસફુલ આવતી હોવાથી બસોમાં બેસવાની જગ્યા ના હોવાના કારણે વિદ્યાર્થીઓ કંટાળી ગયા હતા. જેને લઈ મંગળવારની વહેલી સવારે સમશેરપુરા ગામના હાઇવે પર થરાદ તરફથી આવતી અને જતી તમામ લોકલ અને એકસપ્રેસ બસોને રોકાવીને ભારે વિરોધ કરતા હાઈવે પર હંગામો મચી જવા પામ્યો હતો.
આ બાબતની જાણ ડીસા ડેપો મેનેજર અને તાલુકા પોલીસને થતા ઘટનાસ્થળે દોડી જઇ મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી.ડીસા ડેપો મેનેજર રમેશભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને એસટી બસની વ્યવસ્થા કરવાની લેખિત બાંહેધરી આપતા વિદ્યાર્થીઓએ આંદોલન હેઠું મુકયુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે થરાદ હાઇવે પર આવેલા આ ગામના વિદ્યાર્થીઓ માટે વહેલી સવારે માત્ર ડીસા ડેપોની ત્રણ બસો આવે છે. જે પણ અંતરિયાળ ગામડામાંથી આવતી હોવાથી આ તમામ બસો ભરેલી આવતી હોવાથી હાઇવે પર ઉભેલા ગોઢા રામપુરા જોરાપુરા અને સમશેરપુરા વગેરે ગામોના ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને બસમાં બેસવાની જગ્યા ન હોવાથી શાળા-કોલેજોમાં આવવા માટે અન્ય બસોની રાહ જોવી પડે છે.જે પણ એકથી દોઢ કલાક પછી આવતી હોવાથી વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં સમયસર પહોચી ન શકતા નાછૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે.જેને લઇ મંગળવારની વહેલી સવારે ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓનું ટોળું હાઇવે પર આવી ઉભો રહેતા તમામ બસો રોકાવી હાઇવે ચક્કાજામ કર્યો હતો.