સણાદર ગામે બનાસ ડેરીના નવીન પ્લાન્ટ સાથે દાડમનો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થપાશે ઃ શંકરભાઈ ચૌધરી

રખેવાળ ન્યુઝ, પાલનપુર : ચાલુ સાલે દાડમના ભાવો ગગડી જતા જિલ્લામાં દાડમ પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે તે સંજોગોમાં બનાસડેરી થકી દાડમનો પ્રોસેસિંગ પ્લાન્ટ નાખવાની જાહેરાત ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કરતા દાડમ પકવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. આજે કાતરવા ખાતે લાખણી તાલુકાનો દૂધદિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ ચેરમેન શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ચેરમેનએ દિયોદર તાલુકાના સણાદર ગામે બનાસ ડેરી પ્લાન્ટની સાથે દાડમનો પ્રોસેસિંગ પ્લાન્ટ નાખવાની પણ જાહેરાત કરતા લાખણી વિસ્તારના દાડમ પકવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે દાડમના ભાવ ઘણીવાર ગગડી જતાં ખેડૂતોને ભારે નુકસાન થતું હોય છે તેવા પ્રસંગે દાડમનું પ્રોસેસિંગ કરીને તેનું વેલ્યુ એડીશન થાય તે માટેના પ્લાન્ટની ઘણા સમયથી આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે દૂધના વ્યવસાયની સાથે સાથે  દાડમ, બટાકા, ગોબર ગેસ અને મધમાખી પાલન જેવા અન્ય વ્યવસાય તરફ પણ બનાસ ડેરી એ ધ્યાન કેન્દ્રિત કરીને ખેડૂતોને વધારાની આવક મળતી થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે તેના ભાગરૂપે આગામી સમયમાં દિયોદર તાલુકાના સણાદર ગામે બનાસ ડેરીના પ્લાન્ટની સાથે દાડમ અને બટાકાનો પ્રોસેસિંગ પ્લાન્ટ નાખવાનું આયોજન થઈ રહ્યું છે.
આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ કેશાજી ચૌહાણે જણાવ્યું કે શંકરભાઈના નેતૃત્વમાં છેલ્લા ચાર વર્ષમાં અભૂતપૂર્વ સફળતા મળી છે. બનાસકાંઠા જિલ્લો અને તેના લોકો કઈ રીતે આર્થિક સદ્ધર થાય તેની ચિંતા શંકરભાઈએ હંમેશા સેવીને આપણા જિલ્લાને રાજ્ય અને દેશના વિકસિત જિલ્લાઓની હરોળમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે તે અભિનંદનીય  છે. તેમણે આ પ્રસંગે દૂધના વ્યવસાયમાં બહેનોની કામગીરીને બિરદાવીને શિક્ષણ ક્ષેત્રે પણ બહેનો આગળ આવે તેવું આહવાન કર્યું હતું. વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ચેરમેન શંકરભાઈએ બનાસડેરીને માત્ર દૂધના વ્યવસાય પૂરતી સીમિત નહીં રાખીને જિલ્લાના ખેડૂતોના હિતમાં વેલ્યુ એડિશન દ્વારા બટાકા, દાડમ, મધ અને ગોબરગેસ જેવા નવા આયામો તરફ ધ્યાન કેન્દ્રિત કરીને જિલ્લાનો ખેડૂત સદ્ધર થાય તેવો પ્રયાસ કરી રહ્યા છે. પદ્મશ્રી ગેનાજી પટેલે જિલ્લામાં દાડમનો પ્રોસેસિંગ પ્લાન્ટ નાખવાની ચેરમેનની જાહેરાતને આવકારીને તેનાથી લાખણી વિસ્તારના ખેડૂતોને ચોક્કસ ફાયદો થશે તેવો આશાવાદ સેવ્યો હતો. સાથે સાથે તાજેતરમાં જિલ્લામાં થયેલા તીડના આક્રમણ સમયે ખેડૂતોની પડખે રહેવા બદલ ચેરમેન શંકરભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે લાખણી તાલુકાની પ્રગતિશીલ દૂધ ઉત્પાદક બહેનો ચૌધરી ગોમતીબેન ગણેશપુરા, ઠાકોર ઉષાબેન કમલેશભાઈ મટુ, દેસાઈ આશાબેન સાગરભાઇ ચામુંડા નગર અને રાજપૂત પ્રજ્ઞાબેન માનસુંગભાઈ સિંધવાઈ ચાળવાએ બનાસડેરીની વિવિધ યોજનાઓથી બહેનો અને દૂધ ઉત્પાદકોને થયેલા ફાયદાઓની વિગતો આપી હતી. ડેરીના આસિસ્ટન્ટ મેનેજર કરશનભાઈ ચૌધરી, છય્સ્  ડા હરિભાઈ પટેલ, છય્સ્ ડો. પ્રફુલભાઈ ભાણવડીયા અને ઇન્ચાર્જ એમ.ડી. કામરાજભાઈ ચૌધરીએ પ્રેઝન્ટેશન દ્વારા બનાસ ડેરીની વિવિધ સેવાઓ અને પ્રગતિના આલેખ રજુ કર્યા હતા.
આ પ્રસંગે બનાસ ડેરીના ડિરેક્ટર તેજાભાઈ પટેલ, ડિરેક્ટર ભાવાજીભાઈ રબારી, બનાસબેન્કના વાઇસ ચેરમેન જીગરભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ વિજયભાઈ ચક્રવર્તી, એ.પી.એમ.સી. લાખણીના પ્રમુખ બાબુભાઇ દેસાઇ, લાખણી તાલુકા ભાજપ પ્રમુખ બાબરાભાઇ પટેલ, ડીસા તાલુકા ભાજપ પ્રમુખ લેબજીભાઈ ઠાકોર, તાલુકા સંઘ ચેરમેન નાનજીભાઈ પટેલ, જિલ્લા ડેલિગેટ ભલજીભાઈ રાજપુત, સહકારી આગેવાનોમાં તેજાભાઈ પટેલ, હેમરાજભાઈ પટેલ, ટી.પી. રાજપૂત, ધેંગાભાઈ, અગરાજી ઠાકોર,  ધુળાભાઈ પટેલ, ઉદાભાઈ, મહેશભાઈ દવે, લીલાભાઈ, લક્ષ્મણભાઈ, હડમતસિંહ, નાગજીભાઈ, કાતરવા સરપંચ પરબતભાઇ, યુવા અગ્રણી હિંમતસિંહ રાઠોડ, ડેલીગેટ કરશનભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય અમીતભાઈ દેસાઈ તેમજ વિશાળ સંખ્યામાં દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેનો, મંત્રીઓ તેમજ દૂધ ઉત્પાદક બહેનો ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમનું સંચાલન બનાસ ડેરીના સી.ડી. વિભાગના સુપરવાઇઝર શિલ્પાબેન જુડાલે કર્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.