તામિલનાડુમાં ગાજા વાવાઝોડુ ત્રાટક્‍યું : ઠેરઠેર ભારે વરસાદ, 76 હજાર લોકોનું સ્થળાંતર

ચક્રવાતી વાવાઝોડૂ ગાજા ગુરુવારે મોડી રાતે તમિલનાડીના નાગપટ્ટનમ અને વેદરન્નિયમ તટને અથડાયું છે. હવામાન વિભાગે મોડી રાતે 3.15 વાગે બુલેટિન જાહેર કરીને ગાજાના કારણે ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ થતો હોવાની માહિતી આપી છે. 120 કિમી પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાઈ રહ્યો છે. રેસ્ક્યુ ટીમે 76 હજાર લોકોનું 3000 રાહત શિબિરોમાં સ્થળાંતર કરાવ્યું છે. રાજ્યમંત્રી એમ.પી. સંપથના જણાવ્યા પ્રમાણે, ચક્રવાતના કારણે અત્યાર સુધીમાં કુલ 2 લોકોના મોત થયા છે.પવન ફૂંકાતો હોવાથી અને વરસાદના કારણે ઘણી જગ્યાએ વીજળીના થાંભલા ઉખડી ગયા છે. પરિણામે ઘણાં વિસ્તારોમાં વીજળી પહોંચી રહી નથી. તટીય વિસ્તારોમાં આવેલા ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે. પ્રશાસને મદદ માટે એનડીઆરએફની નવ ટીમને પ્રભાવિત વિસ્તારમાં તહેનાત કરી છે. ગુરુવારે-શુક્રવારે દરેક સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરી દીધી છે.હવામાન વિભાગે જણાવ્યું કે, ચક્રવાત ગાજા 14 કિમી પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે. તમિલનાડુ, દક્ષિણ આંધ્ર અને પોંડિચેરી તટ પર ઉંચી લહેરો ઉઠવાની આશંકા છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. તમિલનાડુમાં એનડીઆરએફની નવ અને પોંડિચેરીમાં બે ટીમ તહેનાત છે. તે સિવાય 31 હજાર બચાવ કર્મીઓ અને એસડીઆરએફને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જેથી જરૂર પડે ત્યારે તેમની મદદ લઈ શકાય. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તમિલનાડુના ઉત્તરી અને દક્ષિણ તટીય વિસ્તારોમાં ગુરુવારે મોડી રાતથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. કુડ્ડાલોર, નાગાપટ્ટનમ, તિરુવરુર, થંજાવુર, પડ્ડુકોટ્ટાઈ, તૂતિકોરિન અને રામનાથપુરમમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.