બનાસકાંઠામાં ઉત્તમ ઉચ્ચત્તમ શિક્ષણનો સૂર્યોદયઃ નાયબ મુખ્યમંત્રીના હસ્તે મેડીકલ કોલેજનો શુભારંભ

બનાસ ડેરી પ્રેરિરત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઈનસ્ટીટ્યુટનો શુભારંભ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના હસ્તે થયેલ. આ પ્રસંગે હાજર બનાસકાંઠાના હજ્જારો સ્થાનિક નાગરિકોના ચહેરા પર તેમના વિસ્તાર પરથી અશિક્ષિત હોવાનું વર્ષો પુરાણું મેણુ તૂટ્યું હોય તેનો આનંદ સ્પષ્ટ વર્તાતો હતો.
 
મેડીકલ કોલેજના શુભારંભ પ્રસંગે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં નાયબ મુખ્યમંત્રીએ આજે બનાસકાંઠાની ધરતી પર જ્ઞાનનો સોનેરી સૂર્ય ઉગ્યો હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, આ કોલેજના નિર્માણમાં અહીંના ખેડૂતો-પશુપાલકના પરિશ્રમની સુવાસ છે. ગરીબ-પછાત-અશિક્ષિત જિલ્લાની છાપને ગુજરાત સરકારની વિકાસ નીતિ અને સ્થાનિક પ્રબળ નેતૃત્વએ મળી ભૂંસી નાખીને, આ પંથકને રાજ્યના વિકસિત વિસ્તારોની હરોળમાં મુક્યો હોવાનું નાયબ મુખ્યમંત્રી જણાવ્યું હતું.
 
બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના સતત પ્રયાસો અને આ મેડીકલ કોલેજનો શુભારંભ જિલ્લામાં થાય તે માટે ખાસ કાળજી લીધી હોવાનો વિશેષ ઉલ્લેખ કરતાં નાયબ મુખ્યમંત્રીએ તેઓને સવિશેષ બિરદાવ્યાં હતા. આવા પરિશ્રમી પ્રયાસોના પરિણામ સ્વરૂપે પ્રથમ જ વર્ષમાં આ કોલેજમાં ૧પ૦ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ પ્રવેશ મેળવ્યાનો ઉંડો સંતોષ-આનંદ નાયબ મુખ્યમંત્રીએ અહીં વ્યક્ત કર્યો હતો. આ પ્રથમ બેચના તમામે તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા નાયબ મુખ્યમંત્રીએ આપી  હતી.
 
ગુજરાતનો સીમાવર્તી અને પાણીની અછત હેઠળનો વિસ્તાર એવો બનાસકાંઠા મક્કમ ગતિથી પોતાની ઓળખ બદલી રહ્યો છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીથી જેનું અર્થતંત્ર ધબકે છે, દાડમ-બટાકા અને મગફળીની ખેતીમાં જે અગ્રેસર છે તેવા જિલ્લામાં આજે બનાસ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઈનસ્ટીટ્યુટનો શુભારંભ ગુજરાતના  નાયબ મુખ્યમંત્રીએ કરાવ્યો હતો. ૧પ૦ સીટ સાથે શરૂ થયેલી આ મેડીકલ કોલેજ સાથે ૭૦૦ બેડની હોસ્પિટલ પણ જાડાયેલી હશે. અત્યંત આધુનિક હોસ્પિટલ અને મેડીકલ કોલેજની ઘર આંગણે નિર્માણ થનારી આ સગવડથી કટોકટીના સમયમાં બનાસકાંઠાના નાગરિકોએ અન્ય મોટા શહેરો તરફ નહીં દોડવું પડે.
 
આ પ્રસંગે કેન્દ્રીત રાજ્યમંત્રી હરીભાઈ ચૌધરી, ગુજરાત રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી પરબતભાઈ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, વાઈસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ કેતન દેસાઈ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.