શાકભાજીમાં બેફામ નફાખોરીઃ હોલસેલ કરતાં છૂટક ભાવ ચાર ગણા વધારે

અમદાવાદ: ચોમાસાના વરસાદ બાદ નવાં શાકભાજીની આવકમાં વધારો થયો છે, પરંતુ પાણીના મૂલે માર્કેટયાર્ડમાં હોલસેલમાં હરાજીમાં વેચાતાં શાકભાજી બજારમાં આવતાં સુધીમાં ચાર ગણા વધારાના ભાવથી આવતાં સરવાળે ખોટ તો ખેડૂતો અને ગૃહિણીઓને પડે છે.

લોકોને શાકભાજી સસ્તા મળી શકે તેમ છે પરંતુ વચે‌િટયાઓની બેફામ નફાખોરીના કારણે ખેતરથી ઘર સુધી પહોંચતાં લીલાં શાકભાજીના ભાવમાં ચાર ગણો વધારો નોંધાઇ જાય છે. સામાન્ય રીતે વરસાદ પછીના એક મહિના પછી નવાં શાકભાજીની આવક શરૂ થઈ જાય છે, પરંતુ વચેટિયાઓની તગડી નફાખોરીના કારણે ગૃહિણી સુધી જ્યારે શાકભાજી પહોંચે ત્યારે તેના ભાવ તગડા થઈ જાય છે.

હરાજીમાં હોલસેલમાં મોટા ભાગનાં શાકભાજીનું રૂ. ૧૦ની અંદરના ભાવે વેચાણ થઈ રહ્યું છે. લસણના ભાવ ગગડીને તળિયે ગયા છે. ગઈ કાલે માર્કેટયાર્ડમાં લસણ ૭૫ પૈસા કિલો વેચાયું હતું. નબળું લસણ ૧ થી ૨ રૂપિયા, મધ્યમ લસણ ૪ થી ૫ રૂપિયા અને બેસ્ટ લસણનો ભાવ હોલસેલમાં રૂ. ૯ થી ૧૦ પ્રતિ કિલો છે, જેનું બજારમાં રૂ. ૪૦ થી ૬૦ પ્રતિકિલો વેચાણ થઈ રહ્યું છે.

એપીએમસીના સેક્રેટરી દીપક પટેલના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહથી શાકભાજી વધુ સસ્તાં થયાં છે. વધુ આવકની અસરે શાકભાજી વધુ સસ્તાં થયાં છે. ફ્લાવર અને ટામેટાંની આવક વધી છે. મહારાષ્ટ્રનાં ટામેટાંની સામે ગુજરાતનાં ટામેટાંની આવક પણ વધી છે.

ગવારની આવક પણ વધી છે, તેનું રૂ. ૫થી ૭ના પ્રતિકિલો વેચાણ થઈ રહ્યું છે. અત્યારે લીલોતરી શાકભાજી સસ્તાં હોવાં જોઈએ તેના બદલે દરેક શાકભાજી પ્રતિકિલો રૂ. ૪૦થી ૬૦ પ્રતિકિલો મળી રહ્યાં છે.

એક સમયે ૧૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહેલાં લાલચોળ ટામેટાં અત્યારે બજારમાં રૂ.૩૦એ કિલો વેચાઇ રહ્યાં છે. ગૃહિણીઓ હાલમાં આ ભાવે મળી રહેલાં શાકભાજીથી ખુશ છે. લોકોને સસ્તાં હોવાનાં જણાતાં શાકભાજી હજુ પણ વધુ સસ્તાં થઇ શકે છે, પરંતુ વચે‌િટયાઓની બેફામ નફાખોરીના પરિણામે ખેતરથી ઘર સુધી પહોંચતાં શાકભાજીમાં ૪ ગણો વધારો નોંધાઇ જાય છે.

મોટા ભાગનાં શાકભાજી રૂ.ર૦ પ્રતિકિલો આસપાસ મળી શકે તેમ છે. કેટલાક ખેડૂતો હાલમાં શાકભાજીનાં પોટલાં માર્કેટયાર્ડ સુધી લઇ જવા તૈયાર નથી, કારણ કે મજૂરી, દવા, બિયારણ અને વાહનખર્ચ ગણતાં આવકની સામે જાવક વધુ હોઇ ખોટનો ધંધો થઇ શકે છે.

હજુ ૧પ દિવસ પહેલાં જ શાકભાજીના ભાવ સાંભળીને ગૃહિણીઓ શાકભાજી ખરીદવાનું ટાળતી હતી. સામાન્ય રીતે ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆતમાં શાકભાજીના ભાવ હંમેશાં નીચા રહે છે, કારણ કે આ સિઝનમાં શાકભાજીની આવકમાં ખૂબ વધારો થાય છે.

હજુ લસણની જેમ જ ડુંગળીના ભાવમાં પણ કડાકો બોલશે. હાલમાં ડુંગળી માત્ર ૩થી ૪ રૂ. કિલોના ભાવે હોલસેલમાં વેચાઇ રહી છે. તેથી તેના બજારભાવ ગગડશે. માર્કેટયાર્ડમાં શાકભાજીની દલાલી કરતા મનજીભાઇ સોલંકીના જણાવ્યા અનુસાર શાકભાજીની આવક પ્રમાણમાં વધી છે. નજીકના દિવસોમાં ગૃહિણીઓને પણ સસ્તા ભાવે લીલોતરી શાકભાજી મળશે.

શાકભાજી હોલસેલ માર્કેટ
  ભાવ ભાવ
ગવાર ૫ થી ૭ ૩૦ થી ૪૦
દૂધી ૪ થી ૬ ૨૦ થી ૩૫
કારેલાં ૫ થી ૭ ૩૫ થી ૪૦
મરચાં ૨ થી ૪ ૧૫ થી ૨૦
ચોળી ૬ થી ૧૦ ૪૦ થી ૫૦
રીંગણ ૭ થી ૧૦ ૩૦ થી ૪૦
ભીંડા ૬ થી ૧૦ ૪૦ થી ૫૦
તુરિયાં ૫ થી ૧૦ ૩૦ થી ૪૦
ટામેટાં ૭ થી ૧૦ ૨૦ થી ૩૦
લસણ ૧ થી ૭ ૪૦ થી ૫૦
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.