ધાનેરાના ટી.ડી.ઓ. ઉપર અડધી રાતે તલાટીનો હુમલો

ધાનેરાના તાલુકા વિકાસ અધિકારીના ઘર પર સામરવાડા ગામના પૂર્વ તલાટી તેમજ અન્ય શખ્સો દવારા હુમલો કરાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.તાલુકા વિકાસ અધિકારીના સરકારી ક્વાર્ટર પર હથિયારો સાથે ધસી જઈ રોકડ રકમની લૂંટ ચલાવી હુમલાખોરોએ તાલુકા વિકાસ અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
 
પ્રાપ્ત માહિતી મુજબ સામરવાડા ગામની ગૌચરની જમીનની તપાસ કરતા અધિકારીને ડરાવી ધમકાવી મામલો રફે દફે કરવા ધમકી અપાઈ હતી. બનાસકાંઠામાં ગુનાહિત પ્રવૃતિઓ વધી રહી છે.ત્યારે ગઇરાત્રે ધાનેરાના તાલુકા વિકાસ અધિકારી મોસમસિંહ રાવએ એક તલાટી તેમજ અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ હુમલો,લૂંટ અને ધકધમકીની ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઇ છે.ધાનેરાના તાલુકા વિકાસ અધિકારી સામરવાડા ગામની ગૌચર ભૂમિના દબાણની તપાસ ચલાવી રહયા છે. આ કેસમાં સામરવાડા ગામના તત્કાલીન તલાટી જગદીશભાઈ બારોટ પણ સકંજામાં આવે તેમ છે.આવી સ્થિતિમાં હાલ વાવ તાલુકામાં તલાટી તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ બારોટને આ તપાસ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ વારંવાર જવાબ માટે જાણ કરવા છતાં તલાટી મહાશયે  આ બાબતે ગંભીરતા દાખવી નહોતી જેથી તપાસ દરમિયાન જાણવા મળેલ હકીકતો બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા કક્ષાએ રિપોર્ટ રજૂ કરી દેવાતા ઉશ્કેરાયેલા આ તલાટીએ ગઈ રાત્રે ધાનેરા ખાતેનાં તાલુકા પંચાયત ક્વાર્ટર પર ધસી જઈ તાલુકા વિકાસ અધિકારીના ઘરમાં ઘૂસી જઇ ધાકધમકી આપી ટેબલ પર પડેલ પાકીટમાંથી ૫૫૬૦ જેટલી રોકડ રકમ લૂંટી લઈ ઘરમાં પડેલ માલસામાનને પણ  વેરવિખેર કરી આ ઈસમો ભાગી છૂટ્યા હતા.
 
ગત રાત્રે ધાનેરાના તાલુકા વિકાસ અધિકારીના ક્વાર્ટર પર બનેલા આ બનાવ અંગે ધાનેરા નગરપાલિકાના પ્રમુખ સહિત અન્ય અગ્રણીઓ પણ ધાનેરા પોલીસ મથકે પહોંચી ગયા હતા. જો કે ધાનેરાના ઇન્ચાર્જ પોલિસ ઇન્સપેક્ટર થરાદ હોઈ આ ફરિયાદ સવારે લેવાનું કહેતા ધાનેરા નગરપાલિકાના પ્રમુખ પણ રોષે ભરાયા હતા અને પોલિસની બેદરકારી સામે રોષ ઠાલવી ના છૂટકે જિલ્લા પોલીસ અધિક્ષકને જાણ કરતા છેવટે ફરિયાદ દાખલ કરાઈ હતી.આ મામલે પાલિકા પ્રમુખે પોલીસ તંત્રની મનમાની સામે પણ પસ્તાળ પાડી હતી.
 
ધાનેરા તાલુકા વિકાસ અધિકારી દવારા લૂંટ તેમજ ધાકધમકી ની ફરિયાદ થી આ મામલો ભારે તંગ બન્યો છે. ગૌચર જમીનની તપાસ હવે કેવા નવા રંગ બતાવે છે. આની પર સૌની નજર છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.