જુનાડીસામાં સતત નવમા વર્ષે તાજીયા જુલુસ નહીં નીકળે

જુનાડીસા : બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાને અડીને આવેલા જુનાડીસા ગામના જાલોરી મુસ્લિમ જમાતે સતત નવમા વર્ષે તાજીયા જુલુસ નહીં નિકાળવાનો ઐતિહાસિક નિર્ણય લઈ અગાઉ આ ઉજવણી કાયમી ધોરણે બંધ રાખવા કરેલ ઠરાવ અકબંધ જાળવી રાખવાની ઉચ્ચ સ્તરે રજૂઆતો પણ કરી છે.
કોમી એકતા માટે વખણાતાં જુનાડીસા ગામે અઢારેય વરણના લોકો હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહે છે. વિપરીત અને વિષમ સ્થિતિમાં પણ  સંત મૌલાઓની પુણ્યવન્તિ ધરતીના પ્રતાપે ગામની એકતા અકબંધ રહી છે જે અજાયબી પાછળ તમામ સમાજના આગેવાનોનો વતન પ્રેમ અને સમજણ છુપાયેલ છે. જેના થકી ગામે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે હરણફાળ વિકાસ સાધ્યો છે. તેથી  એકતા મુદ્દે ગામનું નામ અગ્ર ક્રમે આદરપૂર્વક લેવાય છે જેનું ગામના યુવાનો પણ ગૌરવ અનુભવે છે.પરંતુ સમયના વહેણ સાથે આજે ટીવી-મોબાઈલના અતિક્રમણને લઈ પરિવારો સાથે સમાજ વિખેરતા જાય છે સ્વાર્થવૃત્તિ અને અસલામતીની ભાવના ઘર કરી રહી છે. ચોમેર અંધાધૂંધી અને અરાજકતા સર્જાઈ છે તેમ છતાં ગામના શિક્ષિત જાલોરી (જાગીરદાર)  મુસ્લિમ સમાજે નામ પ્રમાણે દિલેરી દાખવી ગામની એકતાને ઉની આંચ પણ ન આવે તેવા એકમાત્ર મકસદથી સને ૨૦૧૧ થી તાજીયા જુલુસ ઉપર કાયમી પ્રતિબંધ ઠરાવી દીધો છે. જેના સખત અમલ માટે તેઓ સજાગ પણ છે. આ વખતે પણ જમાતનાં ટ્રસ્ટી હાજી સિકંદરખાન ઘાસુરા સહિતના આગેવાનોએ રૂરલ પોલીસ સહિત ઉચ્ચ સ્તરે જુલુસની તમામ ક્રિયાઓ બંધ છે તેથી કોઈને પરવાનગી ન આપવા લેખિત રજૂઆતો કરી છે. એટલું જ નહીં,તાજીયાનાં બહાને કેટલાક આવારા તત્વો બહારના લોકો સાથે મળી જઈ ધર્મની આડમાં ખોટો ફંડ ફાળો ઉઘરાવી તેના દુરુપયોગ થકી નવી પેઢીને ગુમરાહ કરી ભયનો માહોલ સર્જી ગામની એકતા અને અમન શાંતિને જોખમાવતા હોવાના ગંભીર આક્ષેપો કરી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.મુસ્લિમ સમાજની આ દૂરંદેશીને સો સો સલામ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.