બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળે ગઈકાલે સાંજે વરસાદ ખાબક્યો હતો. આજે બીજા દિવસે પણ બપોરે આકાશમાં કળા ડિબાંગ વાદળ ઘેરાયા બાદ પાલનપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.જેને પગલે શહેરમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. પાલનપુરમાં એક જ કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.બપોરે ખાબકેલા 2 ઈંચ વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. જ્યારે શહેરની બીજેશ્વર કોલોની બેટમાં ફેરવાઈ હતી.વરસાદને પગલે વાહનો પાણીમાં ડૂબ્યા હતા.આ ઉપરાંત જીલ્લાના દાંતીવાડા, પાંથાવાડા, થરા સહિતના અન્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.જયારે વડગામ તાલુકામાં શનિવારે બપોરના એકાએક પવનના સુસવાટા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરતા દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્તાં લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. જ્યારે ધાનેરામાં 21, કાંકરેજમાં 13 અને ડીસા, દાંતીવાડા, વાવ, થરાદ, દાંતામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો.