અયોધ્‍યામાં "અબ કી બાર રામ મંદિર" ના પોકાર સાથે હિન્‍દુ સંગઠનોનો જમાવડોઃ ૧૯૯૨ જેવો માહોલ છવાયો

 
                                          અયોધ્‍યામાં રામ મંદિર નિર્માણ માટે વિહિપ આવતીકાલે અહીં એક ધર્મસભાનું આયોજન કરવા જઈ રહ્યુ છે તે પૂર્વે આજે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ અહીં આવી રહ્યા છે. વિહિપ અને શિવસેનાના મોટી સંખ્‍યામાં કાર્યકરો હાજર રહેતા ચૂસ્‍ત સુરક્ષા ગોઠવવામાં આવી છે. આજે અને આવતીકાલના કાર્યક્રમોને લઈને રામનગરીનો માહોલ ગરમાયો છે. અયોધ્‍યામાં ફરી એક વખત ૧૯૯૨ જેવી સ્‍થિતિ જોવા મળી રહી છે. અયોધ્‍યા મામલાના પેરવીકાર ઈકબાલ અન્‍સારી કહ્યુ છે કે, ભીડ જમા થવાની અયોધ્‍યામાં ભયનો માહોલ છે. અયોધ્‍યામાં ઉદ્ધવ ઠાકરેની મુલાકાત અને વિહિપની ધર્મસભાને લઈને ઠંડીની ઋતુમાં પણ માહોલમા ગરમાવો આવી ગયો છે. આજે બપોરે ઉદ્ધવ ઠાકરે અયોધ્‍યા પહોંચી રહ્યા છે. તે પહેલા જ શિવસેનાના હજારો કાર્યકરો અહીં આવી પહોંચ્‍યા છે. રેલ્‍વે અને હવાઈ માર્ગે કાર્યકરો આવી રહ્યા છે. બધાના મુખેથી એક જ નારો છે ‘અબ કી બાર રામ મંદિર કા નિર્માણ હોકર રહેગા'. શિવ સૈનિક જ નહી પરંતુ સાધુ-સંતોનો જમાવડો પણ અહી થઈ રહ્યો છે. કહેવાય છે કે આવતીકાલની ધર્મ સંસદમાં સંઘ અને શિવ સૈનિકો પણ સામેલ થશે. વિહિપે યુપીના વિવિધ વિસ્‍તારોમાંથી ટ્રેનો, બસો, ટ્રેકટરો, ટેકસીઓ દ્વારા લોકોને બોલાવવાનું શરૂ કર્યુ છે. વિહિપનું કહેવુ છે કે આવતીકાલે અયોધ્‍યામાં બે લાખની વધુ લોકો આવશે. સાધુ-સંતો પણ મોટી સંખ્‍યામાં આવી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે રામ મંદિર નિર્માણ મામલે આજે અયોધ્‍યા આવી રહ્યા છે અને તેઓ અહીં પુજારીઓ અને સાધુ સંતો સાથે બેઠક કરશે. તેઓ રામલલ્લાના દર્શન કરશે અને સરયુ તટ પર પૂજા-અર્ચના પણ કરશે. તેમનુ કહેવુ છે કે લોકસભાની ચૂંટણી પહેલા રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો થઈ જવો જોઈએ. ઉદ્ધવ ઠાકરે હિન્‍દુત્‍વના મુદ્દે ભાજપ કરતા આગળ નિકળવા જવા માગે છે. અયોધ્‍યામાં માહોલ ખરાબ ન થાય તે માટે તંત્ર એલર્ટ થયુ છે. પીએમસીની ૪૮ કંપની, રેપીડ એકશન ફોર્સની ૯ કંપની, ૩૦ એસપી, ૩૫૦ ઉપનિરીક્ષક, ૧૭૫ હેડ કોન્‍સ્‍ટેબલ, ૧૩૫૦ કોન્‍સ્‍ટે. નજર રાખી રહ્યા છે. બે ડ્રોન વિમાનોનો સહારો પણ લેવાયો છે. સમગ્ર અયોધ્‍યા કિલ્લેબંધીમાં તૈનાત થઈ ગયુ છે. કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.