થરાદના ભોરડુંમાં જ ૨૦ વ્યક્તિઓ ડેંગ્યુંના ભરડામાં ઃ દર્દીઓ હોસ્પીટલમાં

થરાદ : બનાસકાંઠાના સરહદી થરાદ, વાવ અને સુઇગામ પંથકના ગ્રામિણ વિસ્તારોમાં ઙેગ્યુએ માથું ઉંચકતાં પ્રજાજનો ટપોટપ તાવમાં સપડાઇ રહ્યાં છે. અને  આરોગ્ય વિભાગ ગાઢ નિંદ્રામાં છે.નગરની ખાનગી હોસ્પીટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. થરાદના ભોરડુમાં જ શંકાસ્પદ પોઝીટીવ ડેંગ્યુના પંદરથી વીસ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આરોગ્ય વિભાગ હજુ પણ નહી જાગે તો પરિસ્થિીતી બેકાબુ બનવાની દહેશતના પગલે પ્રજામાં પણ ભય સાથે ફફડાટની લાગણી પ્રસરવા પામી છે.
છેલ્લા બે ત્રણ મહિનાથી થરાદ વાવ અને સુઇગામ પંથકમાં ડેંગ્યુના વાયરા ચાલુ થવા પામ્યાછે. આ તાવ માત્ર શહેર પુરતો જ નહી રહેતાં થરાદ તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યોછે. થરાદ તાલુકાના ભોરડું ગામમાં આજે પણ પંદર જેટલી વ્યક્તિઓ શહેરની ખાનગી હોસ્પીટલમાં સારવાર લઇ રહી છે. જે પૈકી બે ત્રણને રજા આપવામાં આવી હતી. નગરના શિવનગરમાં રહેતા કમલેશભાઇ પુરોહિતે જણાવ્યું હતું કે તેમના ઘરમાં પણ બે વ્યક્તિ ડેંગ્યુની ઝપટમાં આવતાં સારવાર અપાઇ રહી છે. સરહદી તાલુકાઓમાં દિનપ્રતિદીન વકરી રહેલી આ બિમારીના કારણે લોકોને દિવાળી જેવો તહેવાર ઉજવવાને બદલે દવાખાનામાં દોડધામ કરવી પડી રહી છે. થરાદ તાલુકાના ભોરડું ગામની પીએચસીમાં મેડીકલ ઓફીસર નહી હોવાના કારણે દવાખાનું પણ બંધ રહેતું હોવાની વ્યાપક ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.
થરાદમાં  ડેંગ્યુનાં શંકાસ્પદ લક્ષણોની સાથે સાથે અન્ય મચ્છરજન્ય બિમારીઓ પણ જોવા મળી રહી છે.તેમ છતાં પણ આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવા આક્ષેપો થઇ રહ્યા છે. થરાદ તાલુકાના લોકો જણાવે છે કે સતત વરસેલા વરસાદ વચ્ચે મચ્છરોની ઉત્પત્તિ હોવા છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ કે ફોગીંગ કરી મચ્છરોને નાથવા જેવી કામગીરી પણ કરવામાં આવી નથી. પડોશી તાલુકાઓમાં જીવલેણ ડીપ્થેરીયા જેવા રોગોએ ભરડો લીધો છે ત્યારે થરાદ તાલુકામાં ડેંગ્યુનો હાહાકાર જોવા મળી રહ્યો છે. આથી થરાદ સહિત આજુબાજુના તાલકાઓમાં પણ ડેંગ્યુની બિમારી ભરડો લે તે પહેલાં આરોગ્ય વિભાગ પોતાની ઉંઘ ઉડાડે અને આવાં ગામોમાં નક્કર આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરે તેવી લાગણી પ્રજાજનોમાં ઉઠવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.